28/09/2020
Breaking News

કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પર પોલીસ દમન અંગે પગલાં ભરવા માંગ બનાસકાંઠા જિલ્લા કલેકટરને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ

કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પર પોલીસ દમન અંગે પગલાં ભરવા માંગ
બનાસકાંઠા જિલ્લા કલેકટરને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ ગઢવી સહિતના કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે બનાસકાંઠા જિલ્લા કલેકટરને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પર પોલીસ દમન અંગે આવેદનપત્ર પાઠવી કિસાન કોંગ્રેસના અધ્યક્ષ ઉપર અત્યાચાર કરી ઢોર માર મારનાર પોલીસ અધિકારી સામે કડક પગલા ભરવા માંગ કરાઇ છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટરને આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ ગઢવી સહિતના કોંગ્રેસી આગેવાનોએ લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઇ લોકડાઉન સમયે ધંધા રોજગાર બંધ હોઇ સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને જીવન ગુજારો ચલાવવો મુશ્કેલ બન્યો હતો. તેવા સમયે જગતના તાતને સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ હતી. મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, મોંઘી વિજળી સિંચાઇના મોંઘા પાણી સહિતના કારણે દિવસેને દિવસે ખેતી અને ખેત પેદાશો મોંઘી થતી જાય છે. ખેડૂતોને ખેત પેદાશોના ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે વહીવટી તંત્ર જાગૃત થાય તે હેતુથી ખેત પેદાશો પી.એમ કેર ફંડમાં જમા કરાવવાનો પ્રતિકારાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઇ આંબલીયા અને ખેડૂત પ્રતિનિધિઓ અે રાજકોટ કલેક્ટર સમક્ષ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમનો હેતુ ખેડૂતોને પડતી મુશ્કેલીમાં વહીવટી તંત્ર સંવેદનશીલ બને અને ખેડૂતોને ન્યાય મળે તેમજ ખેત પેદાશોના ભાવ મળે તે હતો. પરંતુ કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ સામે જુદી જુદી કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત જ નહીં પણ સાથો સાથ કિસાન આગેવાનો અને ખેડૂતો પર પોલીસે અત્યાચાર ગુજારેલ હતો. ખેડૂતો માટે ન્યાય માંગનાર ખેડૂતોના મુદ્દે લડત ચલાવનાર અને ખેડૂતોના હકના નાણાં ચાઉ કરી જનારાને ખુલ્લા પાડનારને પોલીસના અત્યાચારથી શું રાજ્ય સરકાર મૌન કરાવવા માંગે છે ? શું ખેડૂતોના હકની લડાઈ લડવી એ ગુનો છે ? આવા પ્રશ્નો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઇ આંબલિયા પર બેરહેમીપૂર્વક અત્યાચાર કરી ઢોર માર મારનાર પોલીસ અધિકારી અને જેના ઇશારે આ કૃત્ય કરાયું છે તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
અહેવાલ ગીરીશ જોષી બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *